૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્યક્રમોનું રિહર્સલ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન અને પરેડ કરી કાર્યક્રમની સૌને શુભેચ્છાઓ આપી હતી. વધુમાં, તેમણે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ, આરોગ્ય અને બેઠક વ્યવસ્થા સહિતની બાબતો અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતાં. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, કપડવંજ પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.