આમ આદમી પાર્ટીના નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આતિશી આજે સાંજે 4.30 કલાકે રાજ નિવાસ ખાતે યોજાનારા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે વધુ પાંચ મંત્રીઓ પણ શપથ લેશે.
મળતી માહિતી મુજબ, આતિશીની સાથે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. મુકેશ અહલાવત નવા ચહેરા તરીકે મંત્રી બનશે. મુકેશ અહલાવત દલિત સમુદાયમાંથી આવે છે. તેઓ સુલતાનપુર મજરાથી AAPના ધારાસભ્ય છે. અહલાવત પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.
વધુમાં જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ઉપરાજ્યપાલે નવી સરકારના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો.
શા માટે મુકેશ અહલાવતને મંત્રી બનાવવામાં આવ્યા?
આઉટગોઇંગ કેબિનેટમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈનનો સમાવેશ થાય છે. કેજરીવાલ કેબિનેટમાં કોઈ દલિત મંત્રી નહોતા. કારણ કે રાજેન્દ્ર પાલ ગૌતમે એક નિવેદન પર થયેલા વિવાદ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને રાજ કુમાર આનંદને મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારથી અરવિંદ કેજરીવાલ સરકારમાં દલિત સમુદાયમાંથી કોઈ મંત્રી બન્યા નથી. વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ દલિત ચહેરા તરીકે સામે આવ્યા, પરંતુ અહલાવત રેસમાં આગળ નીકળી ગયા.