સેક્સ સોર્ટેડ સિમેન થી દેશી ગાયની સંખ્યામાં વધારો થશે :- અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
સરહદી વિસ્તાર ભાભરના અબાળા ગામે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી બનાવવામાં આવી છે. જેનું આજે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ગૌમૂત્ર ડેરીમાં દરરોજનું દસ હજાર લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી તેનું પ્રોસેસિંગ કરી તેમાંથી જૈવિક ખાતર બનાવાશે. આ ગૌમૂત્ર ડેરી દેશમાં અનેક વિસ્તારોમાં પ્રેરણાદાયી બની શકે છે. આ ગૌમૂત્ર ડેરીથી છેવાડાના ગોપાલકોને રોજગારી સાથે ગૌવર્ધન થશે. જેથી ખેડૂતો વધુને વધુ દેશી ગાયોને પાળતા થશે. ઓર્ગેનિક ખેતી અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા ગૌમૂત્ર ડેરી બનાવાઈ છે. જેમાં પાંચ રૂપિયે લિટર ભાવે ગૌમૂત્ર ગૌ પાલકો પાસેથી ખરીદી કરવામાં આવશે. દરરોજનું ૧૫૦૦ લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગૌમૂત્ર બેસ્ટ બનશે.
દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઉદ્ઘાટન કરતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે બનાસકાંઠાના પશુપાલકો પોતાની આગવી કોઠાસુઝ થી વિશ્વ સ્તરે નામના મેળવી છે. દૂધમાં કરેલી ક્રાંતિ બાદ હવે પ્રાકૃતિક ખેતી અને પશુપાલનમાં પણ ક્રાંતિની શરૂઆત આપણા જિલ્લામાં દેખાઈ રહી છે. દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીની જ્યારે સરહદી વિસ્તારમાં શરૂઆત થઈ રહી છે, તે બતાવે છે કે છેવાડાનો વિસ્તાર પણ વિકસિત ભારતમાં વિકાસ કરી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરહદી વિસ્તારના ગામડાઓ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.
દેશી ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે. ગૌમુત્ર અને છાણ આપણી ધરતીને જીવંત રાખવા માટે ઉપયોગી છે. આપણે આ ધરતીને જીવંત રાખવી હશે તો ગૌપાલન જરૂરી છે. દેશી ગાયનું છાણ અને ગૌમુત્ર આપણી ધરતીને નવપલિત કરવા માટે ખૂબ ઉપયોગી છે. આજે જ્યારે ટેકનોલોજીનું જમાનો છે ત્યારે આપણે પણ ટેકનોલોજી સાથે મળીને કામ કરીશું તો તેનું વળતર બમણું મળશે. આધુનિક સમયમાં એમબ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. જેના થકી આપણી દેશી નસલની ગાયો વધુ દૂધ ઉત્પાદન કરતી થઈ રહી છે. આજે બનાસની ધરતી પર એમબ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી થકી દેશી ગાયનો જન્મ થઈ તેનો ઉછેર પણ થઈ રહ્યો છે.
આપણે સૌએ આ ટેકનોલોજી સાથે દેશી ગાયોના સંવર્ધન માટે કામ કરવું જોઈએ. જેથી આવનારા સમયમાં આપણી દેશી ગાય વધુ દૂધ આપતી થાય અને તેના ગૌમુત્ર અને છાણ થકી આપણે ખેડૂતોની આવકમાં વધારો કરી શકીએ. સેકસ સોર્ટેડ સિમેન ટેકનોલોજી ની મદદથી આજે આપણી દેશી ગાયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારત સરકાર અને એનડીબીના સહયોગથી ખેડૂતોને પોસાય તેવા દરથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશી ગાયોનું સંવર્ધન કરવા માટે કામગીરી થઈ રહી છે.
આ ગૌમૂત્ર ડેરીના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી વલ્લભભાઈ કથેરિયા, રાજપુરોહિત સમાજના ગુરુ તુલસારામજી મહારાજ, રાજસ્થાનમાં ભીલવાડા ધારાસભ્યશ્રી અશોકજી કોઠારી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોર પોરીયા અગ્રણી ઉધોગપતી સુભાષ જોડીવાલ, ગૌભક્ત છોગારામ ભગત, રમેશભાઈ રૂપારેલિયા, ડોક્ટર એમ એસ અગ્રવાલ, દિનેશ અનડા, પ્રકાશ ઠક્કર, ચતુરભાઈ ઠક્કર, પ્રતાપભાઈ ઠક્કર, કલ્પેશ ઠક્કર, કાંતિભાઈ જોશી, પરષોત્તમ દેસાઈ સહિતના મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.