ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઇને 29 નવેમ્બરે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમજ અન્ય તમામ બોર્ડના સભ્યો દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય એજંડા એ હતો કે પ્રતિયોગીતા ક્યા રમાશે. હાઇબ્રિડ મોડલ પર પ્રતિયોગીતાનું આયોજન કરી શકાય કે નહી. અથવા તો આખી ટુર્નામેન્ટ જ પાકિસ્તાનમાં જ રમાશે. પરંતુ આઇસીસીની બેઠકમાં આ અંગે કોઇ સકારાત્મક નિર્ણય ન આવતા બેઠક મુલતવી રાખમાં આવી હતી.
આઇસીસી બેઠકમાં પણ કોઇ ઉકેલ ન મળ્યો
વાસ્તવમાં પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવા જઇ રહ્યું છે. પરંતુ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઇન્કાર કરી દીધો છે. ત્યારથી ટુર્નામેન્ટ ક્યા અને ક્યારે રમાશે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે આઇસીસીએ આ બેઠકનું આયોજન કર્યું હતું. પરંતુ માત્ર 15 મિનિટ જ ચાલી હતી આ બેઠક, ત્યારબાદ મીટિંગ 30 નવેમ્બરે એટલે કે આજ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવા આ ટુર્નામેન્ટ પર આજે અંતિમ નિર્ણયય લેવામાં આવશે.
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બીસીસીઆઈનું આ વલણ સંપૂર્ણપણે ન્યાયી છે. બેઠકમાં હાજર મોટાભાગના ICC સભ્યો પાકિસ્તાનની સ્થિતિને સમજે છે, પરંતુ તેઓએ કહ્યું કે 'હાઈબ્રિડ મોડલ' જ આ સંકટનો એકમાત્ર ઉકેલ છે.
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે 2008થી એક પણ વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમવા માંગે છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ICCને જાણ કરી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ સ્વીકારશે નહીં. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને અગાઉ એશિયા કપ 2023ની પણ યજમાની કરી હતી. ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને બદલે શ્રીલંકામાં મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા આ વખતે પણ એવો જ વિકલ્પ ઈચ્છે છે.
હવે બધાની નજર આજે યોજાનારી ICCની બેઠક પર છે, જ્યાં આ વિવાદનો અંતિમ ઉકેલ આવે તેવી અપેક્ષા છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાવાની છે અને તમામ દેશોના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં લેતા, આ એકમાત્ર વિન્ડો ઉપલબ્ધ છે. મતલબ કે તેમાં ફેરફારને કોઈ અવકાશ નથી.