કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 (PMAY-U)માં કેટલાક નવા માપદંડ ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના જણાવ્યા અનુસાર સરકારની મહત્વાકાંક્ષી આવાસ યોજનાના સરળ સંચાલન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના બીજા તબક્કા હેઠળ રાજ્યોનું યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાના પ્રથમ તબક્કા દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાથી રાજ્યોનું યોગદાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મોદી સરકારે આ વર્ષે લોકસભાની ચૂંટણી પછી તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં આગામી પાંચ વર્ષોમાં પાત્ર શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વધારાના એક કરોડ મકાનો બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ પાંચ વર્ષોમાં શહેરી ક્ષેત્રમાં ઘર બનાવવા, ખરીદવા અથવા ભાડે લેવા માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો/પ્રાથમિક ધિરાણ સંસ્થાઓ (PLI)ના માધ્યમથી એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કેન્દ્રીય સહાય પૂરી પાડશે.
આ યોજના હેઠળ ₹2.30 લાખ કરોડની સરકારી સહાય પૂરી પાડવામાં આવશે. યોજનાના પ્રથમ તબક્કામાં કુલ 1.18 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 85.5 લાખથી વધુ મકાનોનું પહેલેથી નિર્માણ થઇ ચુક્યુ છે. અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.
જુઓ ક્યા વર્ગને લાભ થશે
યોજનાના બીજા તબક્કામાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)/ઓછી આવક વાળા (LIG)/મધ્યમ આવક જૂથ (MIG) પરિવારોને લાભ થશે. ₹3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના લોકો EWS કેટેગરીમાં આવે છે. ₹3 લાખથી ₹6 લાખની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારોને LIG કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય ₹6 લાખથી ₹9 લાખની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારોને MIG કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમને આ યોજનાનો લાભ થશે.