દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં.!
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત માનવસેવા સંસ્થામાં આજ સુધીમાં ૨૭ લાખ જેટલાં દર્દીઓએ લાભ મેળવ્યો
'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ રીતે વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં.!
ઉમરાળા તાલુકાનાં ટીંબી ગામે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં
સેંકડો નહિ, હજારો નહિ, લાખો દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે, આજે પણ લઈ રહ્યાં છે. અહીંયા દર્દીઓની સાથે આવનાર માટે સુંદર નિવાસ અને ભોજન પ્રસાદ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહેલ છે.
'માનવ સેવા એ જ પ્રભુસેવા' એ ધ્યેય તથા 'દર્દી દેવો ભવ' એ ભાવના સાથે વર્ષ ૨૦૧૧માં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ પ્રેરિત આ સંસ્થાની સ્થાપના થઈ અને સેવાની અવિરત ગંગા વહી રહી છે અને આજ સુધીમાં ૨૭ લાખ જેટલાં દર્દીઓએ લાભ મેળવ્યો છે.
સ્વામીજી દ્વારા કેવળ માનવસેવાનાં ઉદ્દેશ્ય સાથે કાર્યરત આ 'ખારા રણમાં મીઠી વીરડી' સમાન આરોગ્ય મંદિરમાં આવતાં દર્દીઓ માટે સંસ્થાનાં પ્રમુખ ધનસુખભાઈ દેવાણી, મંત્રી બાબુભાઈ રાજપરા તથા તબીબી અધિક્ષક નટુભાઈ રાજપરાનાં નેતૃત્વ સંકલન સાથે એક પછી એક સારવાર સુવિધાઓ ઉમેરાતી જાય છે અને દાતાઓ ઉદારતાથી સખાવત કરતાં રહે છે.
નાનકડા ટીંબી ગામમાં વિરાટ સેવા કરી રહેલ માનવસેવા નામ સાથેની આ સારવાર સંસ્થામાં વર્ષ ૨૦૧૧થી એટલે કે સ્થાપના થઈ ત્યારથી ઉપરછલ્લા આંકડા સાથે વિગત જોઈએ તો આજ સુધીમાં ૨૭ લાખ જેટલાં દર્દીઓએ લાભ મેળવ્યો છે. હૃદયરોગ, આંખ બીમારી, સ્ત્રીરોગ, બાળરોગ, કાન નાક અને ગળાની બીમારી, હાડકાની બીમારી, સ્નાયુ બીમારી, ચામડી રોગ, દાંતની બીમારી, માનસિક રોગ વગેરે સાથે અન્ય સામાન્ય બીમારીઓ તેમજ ક્ષ-કિરણ ચકાસણી, આવશ્યક કવાયત સારવાર વગેરે માટે નિષ્ણાત તબીબો અને સહાયક કર્મચારીઓ દર્દી એ નારાયણ સ્વરૂપ સમજીને પૂજા રૂપે જ સેવા સારવારમાં કાર્યરત છે. આ માટે નિવાસી અને કાયમી તબીબો ઉપરાંત બોટાદ, ભાવનગર, અમરેલી, અમદાવાદ અને સુરતનાં નિષ્ણાત તબીબો પણ દર્દીઓ માટે લાભ આપતાં રહ્યાં છે, એટલું જ નહિ સમયાંતરે લંડન કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશનાં નિષ્ણાત તબીબો દ્વારા પણ ખાસ બીમારીઓ માટે લાભ મળતો રહે છે.
અલગ અલગ બીમારી રોગ સંદર્ભે જોઈએ તો તાત્કાલિક સારવાર પ્રસૂતિ તેમજ વિવિધ પરીક્ષણ તપાસમાં ૧૨ લાખ ૬૭ હજાર જેટલા દર્દીઓ રહ્યાં છે. વિવિધ બીમારીઓ સંદર્ભે ૮૧ હજાર જેટલી સફળ શસ્ત્રક્રિયા થઈ છે. પ્રસુતિ માટેનો આંકડો જોઈએ તો તે ૧૩ હજાર આસપાસ પહોંચે છે. જરૂરિયાતમંદ પ્રસૂતા મહિલા માટે ઓસડિયાયુક્ત સુખડી આપવામાં આવે છે. ...અને હા, સંસ્થામાં આ દરમિયાન ૨૭ લાખ જેટલાં દર્દીઓએ નિદાન સારવાર લાભ સાથે તેમની સાથે આવેલ સહાયક કે પરિવારજન મળી ૩૫ લાખ ૧૫ હજારથી વધુ વ્યકિતઓએ ગુરુકૃપા અન્નક્ષેત્રમાં પૌષ્ટિક ભોજન પ્રસાદ મેળવેલ છે.
સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આ આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ રીતે વિનામૂલ્યે સેવા સારવાર થઈ રહી છે, જેમાં સંસ્થાના અગ્રણીઓમાં ઉપપ્રમુખ રસિકભાઈ ભિંગરાડિયા, ખજાનચી લવજીભાઈ નાકરાણી, નાયબ તબીબી અધિક્ષક જયેશભાઈ પટેલ સાથે પરેશભાઈ ડોડિયા અને હિરાભાઈ નાકરાણી દ્વારા આ સંસ્થાનો લાભ દર્દીઓને વધુને વધુ સવલત સાથે મળે તે માટે પ્રયત્નશીલ રહ્યાં છે.
સામાજિક અને આધ્યાત્મિક સેવાભાવ સાથે કાર્યરત આ માનવસેવા આરોગ્ય મંદિરનાં ઉત્સાહી અને સતત દેખરેખ રાખતા મંત્રી બાબુભાઈ રાજપરા (બી.એલ.) દ્વારા જણાવ્યાં મુજબ અહીંયા મળતી નિદાન સારવાર, દવા તેમજ નિવાસ અને ભોજન સંપૂર્ણ વિનામૂલ્યે રહેલ છે, જેમાં દાતાઓનો ઉદાર સહયોગ મળ્યો છે. દર્દીઓને તાત્કાલિક સારવારમાં ખસેડવા માટે વાહન ગાડીઓની સુવિધા છે. નિદાન સારવાર સાથે સ્વચ્છતા અને સુઘડતા સાથે અહીંયા તમામ પાસાઓ માટે ઝીણવટભરી કાળજી રાખવામાં આવી રહી છે.
નાયબ તબીબી અધિક્ષક જયેશભાઈ પટેલ કહે છે, કે અહીંયા દર્દી અને સારવારને કેન્દ્રમાં રાખવામાં આવે છે જેથી ક્ષમતાથી વધુ દર્દીઓની શસ્ત્રક્રિયા કરતાં નથી, એટલે પૂરતી કાળજી રાખી શકાય. અહીંયા વૈશ્વિક સફળ સારવાર સંશોધનની સવલત ઉપલબ્ધિ માટે સજાગ છીએ અને શહેર જેવી જ નિદાન સારવાર સેવા પૂરી પાડવામાં આવે છે.
આ સારવાર સંસ્થામાં દર્દીઓને પડતી જરૂરિયાત માટે દ્વારા જુદા જુદા સ્થાનો ઉપર પ્રસંગોપાત રક્તદાન શિબિરો ગોઠવવામાં આવે છે.
આ સંસ્થાનાં મોભીઓનાં સંકલન સાથે નિર્દોષાનંદ ગૌશાળા કાર્યરત છે. દર્દીઓને દેશી ગાયનું દૂધ અને છાશ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાનાં દિવસોમાં આજુબાજુનાં ગામોમાં આ ગૌશાળા અંતર્ગત વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે છે.
ગોહિલવાડની આ ગૌરવરૂપ વંદનીય સેવા સંસ્થામાં સામાજિક, ધાર્મિક અને રાજકીય મહાનુભાવો મુલાકાત લઈ પ્રભાવિત થઈ પોતાનું યોગદાન આપતાં રહ્યાં છે અને સંસ્થા પરિવાર દર્દીને શિવ સમજી દર્શન ભાવ સાથે કોઈપણ જાતનાં ભેદભાવ વગર માનવ જીવન હેતુ સમર્પિત રહેલ છે, એટલું જ નહિ આ સેવા પ્રવૃત્તિ વિસ્તારી પણ રહ્યા છે... સૌને વંદન...!
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प