ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસના નોરતાં એ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, કળશ સ્થાપન તથા પૂજન કરે છે. હિંદુઓ નવરાત્રીને પહેલે દિવસે કળશ સ્થાપન કરે છે અને દેવીનું આહ્વાન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રીમાં વ્રત પણ કરે છે. કળશ સ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રીમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
ચંદ્ર આધારિત પંચાગ પ્રમાણે નવરાત્રીની તારીખ નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે. જે દેવી ને શક્તિના સ્વરુપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે દસ દિવસ એ નવરાત્રી પછીનો દિવસ છે. જેને વિજયાદશમી કહેવામાં આવે છે, આ દસ દિવસોમાં માતા મહિષાસુર-મર્દિની દુર્ગાના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.
નવરાત્રીની પરંપરાઓ
હિંદુ કેલેન્ડક પ્રમાણે વર્ષમાં ચાર વખત નવરાત્રીની પૂજા કરવામાં આવે છે. જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે. અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે. જેને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રી
ચૈત્રી નવરાત્રી નવ દિવસોમાં માતાના નવ સ્વરુપોનો ઉત્સવ છે. આ તહેવાર વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે. તેને ચૈત્રી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગુપ્ત (અષાઢ) નવરાત્રી
ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
શરદ (આસો) નવરાત્રી
આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.
પુષ્ય (પોષ) નવરાત્રી
પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.
આસો નવરાત્રીમાં ગુજરાતમાં નવ દિવસ ગરબા રમવામાં આવે છે. તેમજ ધુમ ધામથી ઉજવવામાં આવે છે. ગરબા મુત્યત્વે ગુજરાતનો ખુબ જ લોકપ્રિય ઉત્સવ છે. ગરબા આસો માસની એકમથી નોમ સુધીની તિથીઓ સુધી ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. ગરબા નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે.
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.