નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર, GCERT સચિવ ડુંમરારિયા, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપને ટ્રોફી, પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
દીપક જગતાપે 3000થી વધુ વિજ્ઞાન લેખો લખ્યા છે અને તેમના 12થી વધુ વિજ્ઞાન પુસ્તકો તેમજ 13થી વધુ સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના બે પુસ્તકો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ જીતી ચૂક્યા છે. 100થી વધુ એવોર્ડ્સ અને સન્માનો પ્રાપ્ત કરનાર જગતાપે પોતાના ટેરેસ પર ઓર્ગેનિક શાકભાજીનું બગીચો બનાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો છે. તેમણે પર્યાવરણ વિષય પર પુસ્તકો પણ લખ્યા છે.
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના 30 શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને પણ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં બોરીદ્રા ગામે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર શિક્ષક અનિલ મકવાણા, હજારો કાપડની થેલીઓનું મફત વિતરણ કરનાર મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને એક લાખથી વધુ વૃક્ષો વાવી વન વિકસાવનાર ઉત્પલ પટવારીનો સમાવેશ થાય છે.
માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારંભમાં રાજ્યભરમાંથી 2525થી વધુ શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરવામાં આવ્યા. રાજ્ય સંયોજક મિનેષભાઈ પ્રજાપતિ અને પુલકિત જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
દીપક જગતાપના આ સન્માન બદલ શુભેચ્છકો અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.