ભારત સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપી રહી છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા આ વાહનોના ચાર્જિંગને લઈને લોકોના મનમાં એક સવાલ છે. હવે વડાપ્રધાને દેશમાં 500 નવા ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 29 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ઇ.વી. ચાર્જિંગ સ્ટેશન અને LNG સ્ટેશનની પણ શરૂઆત કરાવી હતી. ભારત સરકારે પૂણેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરી હતી.
પાએમ મોદીએ દેશમાં 500 નવા ઇ.વી. ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા છે. ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10 હજાર ઇ વી. ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ સાથે પીએમએ દેશમાં 20 લિક્વિફાઈડ નેચરલ ગેસ સ્ટેશનો પણ શરૂ કર્યા છે, જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
પુણેને ઘણી યોજનાઓ મળી
વડાપ્રધાન મોદીએ પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું નેટવર્ક વિસ્તાર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 9 નવા સ્ટેશનોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સાથે સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની પ્રથમ કન્યા વિદ્યાલય ભીડેવાડા મેમોરિયલનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
પીએમ મોદીએ આ યોજનાઓના લોન્ચિંગ પ્રસંગે પૂણેના લોકોને પણ સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે પુણે ગતિથી આગળ વધી રહ્યું છે. પુણેમાં મેટ્રો પહેલા આવવી જોઈતી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર સારું કામ કરી રહી છે.