મુખ્યમંત્રી આજે અસરેલીની મુલાકાતે આવ્યા હતા. જ્યા તેઓએ અલગ અલગ વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં સાવરકુંડલા શહેરમાં રુ.12,222 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાવરકુંડલાના વિવિધ ધાર્મિક સ્થળો અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. નવા વર્ષે દેવસ્થાનોમાં શીશ ઝુંકાવી નગરપાલિકા વિસ્તારમાં રુ. 10,385 લાખના ખાતમુહૂર્ત તેમજ 490 લાખના માર્ગ અને મકાન વિભાગમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના સાવર વિસ્તારમાં અંદાજે 30 વર્ષ પહેલા ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં મકાનની સંખ્યા તેમજ વધતી વસતી માટે ભુગર્ભ ગટર યોજના જરુરી હતી. આ વિસ્તારમાં અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટર સુધારણાની જરુરિયાત ઉભી થતા આ વિસ્તારમાં રુ.5,672 લાખના ખર્ચે 67 કિ.મી. લંબાઈ ધરાવતી 2,295 ચેમ્પર અને 3 ભૂગર્ભ પંપીંગ સ્ટેશન ધરાવતી ભૂગર્ભ ગટર યોજના ભાગ 2નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરીજની માંગણીઓને ધ્યાને લેતા રુ.2,506 લાખના ખર્ચે નાવલી રિવરફ્રન્ટ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસના પાયા સમાન શહેરની મધ્યમાંથી પસાર થતી રિવરફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે વિકસશે. એન્ટ્રી પોઇન્ટ, ફ્લેગ પ્લેટફોર્મ, હાઈમસ્ટ ટાવર, ચીલ્ડ્રન પ્લે એરીયા, આર.સી.સી. પાથવે, એલ.ઈ.ડી લાઇટ ફુડ સ્ટોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.-88 અંતર્ગત વર્ષ 2024-2025 અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ, બ્લોક પેવીંગ અને સ્મશાન સુધારણાના રુ.600 લાખના 26 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા યોજના, આર.સી.સી. સંપ, ઈ.એસ.આર, પાઇપ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના રુ.1,607 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સાવરકુંડલાથી 6 કિ.મી. દૂર હાથસણી ડેમ પાસે કૂવો બનાવી ત્યાંથી શહેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી લાવી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી પૂરું પાડવાનું આયોજન છે.
મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડથી બાયપાસને જોડતા રુ.400 લાખના ખર્ચે તૈયાર થયેલા 3 કિ.મી. સીસી રોડનું લોકાર્પણ થયું. આ રોડના વિકાસ કાર્યને લીધે તાલુકા સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને ફાયદો થશે ખાસ કરીને માર્કેટીંગ યાર્ડમાં ખેતપેદાશો લાવતા 84 ગામના ખેડુતોને લાભ થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલ આ રોડ બાયપાસ નજીક આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે પણ ઉપયોગી થશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં દિગજ્જ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વિધાનસભા નાયબ દંડક કૌશીક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જનક તળાવયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.