જિલ્લાના ૮૭,૩૮૬ પશુઓ માટે કુલ ૨૧૧ ગૌશાળા/પાંજરાપોળને આર્થિક મદદ મળી રહેશે
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વર્ષ-૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે , જિલ્લા કક્ષાના પ્રતિનિધિ જગદીશભાઈ સોલંકી, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ હતી.
આ યોજના અંતર્ગત ઓક્ટોબર -૨૦૨૪ થી ડીસેમ્બર-૨૦૨૪ (તૃતીય હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫ ) માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ ૨૨૨ સંસ્થાઓની અરજી મળી હતી. જે પૈકી કુલ ૧૮ સંસ્થાઓના દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી વધુ હોઈ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલવામાં આવી છે.
જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦થી ઓછી ધરાવતી કુલ ૧૯૩ સંસ્થાઓની અરજીઓ મંજુર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જયારે ૧૧ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવી હતી.
આમ જિલ્લાની કુલ ૨૧૧ સંસ્થાઓના ૮૭,૩૮૬ પશુઓ માટે કુલ રૂ.૨૩.૨૪ કરોડ રૂપિયાની સહાય મંજુર કરી ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જીલ્લાની ગૌશાળા -પાંજરાપોળને પશુઓના નિભાવ માટે ત્રેવીસ કરોડ જેટલી માતબર રકમની સહાય મંજુર કરવાથી ગૌશાળા/પાંજરાપોળો ને આર્થિક મદદ મળી રહેશે.