તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામના ખેડૂત ગોબરભાઈ નારણભાઈ અકબરી નો મોરૂકા ગીર રોડ ઉપર આવેલ કેસર કેરીના બગીચામાં તેમની ગૌમાતા તથા વાછડા સહિત ૧૧ નાના-મોટા પશુઓ ચરતા હતા,આ દરમિયાન બપોરના ૧૨ વાગ્યાના સમયે જંગલમાંથી ચડી આવેલ ચાર સિંહોએ કીમતી પશુઓ ઉપર હુમલો કરતા બે વાછડા તથા બે વાછડીના સ્થળ ઉપર મરણ થયા હતા,એક વાછડીને ગંભીર ઇજા કરી હતી,પશુઓ ઉપર સિંહનો હુમલો કરતા દોડી આવેલ ખેડૂત પરિવારે હાકલા પડકાર કરતા સિંહો જતા રહેતા છ કીંમતી દુધાળી ગૌમાતા સિંહનો શિકાર થતા બચી ગઈ હતી.
ખેડૂતે આ બનાવની તાલાલા ખાતે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગ નો સ્ટાફ બનાવના સ્થળે દોડી જઈ પંચનામુ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે,ધાવા ગીર ગામની સીમમાં ધોળે દિવસે સિંહોએ કરેલ હુમલા થી ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલ છે,ધાવા ગીર વિસ્તારમાં સિંહો વધુ હુમલા કરે નહીં માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ સહિત ઘટતી કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
ધાવા ગીર ગામે કેસર કેરીના બગીચામાં ચરતુ પશુધન ઉપર હુમલો કરી ચાર પશુઓને મોતને ઘાટ ઉતારનાર સિંહોએ બગીચામાં પડાવ નાખ્યો છે,સિંહોએ પશુધન ઉપર હુમલો કરતા ખેડૂતોએ હાકલા પડકારા કરતા જતાં રહેલ સિંહો ફરી પાછા બગીચામાં આવી ગયા છે.