નર્મદા જિલ્લાના રાજપીપલાના ઐતિહાસિક હરસિધ્ધિ માતાની નગરચર્યા ભવ્ય શોભા યાત્રા નીકળી : ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બપોરે ૩:૩૦ કલાકે ઢોલ નગારા આરતી અને શણગારેલા રથ બેન્ડવાજા સાથે માનો રથ હરસિદ્ધિ માતાના મંદિરથી નગરયાત્રા સંતોષ ચોકડી, સફેદ ટાવર સફેદ, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષીથી પરત હરસિધ્ધિ માતાના મંદિરે પૂર્ણ થઇ
મહોત્સવના બીજા દિવસે નવ ચંડી યજ્ઞ, અન્નકૂટ દર્શન, સાંજે શ્રીફળ હોમાશે ત્યારબાદ મહાપ્રસાદી અને રાત્રે ૮ કલાકે ભવ્ય ગરબાનું આયોજન
નર્મદાજિલ્લાના ઐતિહાસિક રાજપીપળા ખાતેના હરસિધ્ધિ માતાજીનો ઉત્સવ તા.૧૬ અને ૧૭ ના રોજ પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં બપોરે ૩:૩૦ કલાકે હરસિધ્ધિ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન પૂજા અને આરતી કરીને ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા બેન્ડવાજા અને માની રથમાં નગર સવારી શોભાયાત્રા નીકળી હતી જેમાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ અને મંદિરના ટ્રસ્ટી ભક્તો બહેનો યુવાનો મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ અને ગરબે ઘૂમી માની ભક્તિ ભાવપૂર્વક શોભાયાત્રા કાઢી હતી ઠેર- ઠેર માતાજીના રથનું સ્વાગત અને રસ્તાના રુટમાં સંતોષ ચોકડી, સફેદ ટાવર, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષી વગેરે સ્થળોએ વેપારીઓ દ્વારા સ્વાગત કરી અને શણગારેલા ગેટથી માતાજીના રથને પુષ્પા વર્ષા કરી હતી અને ઉત્સાહ ઉમંગ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરજનો દ્વારા ઠેરઠેર ભાવિકભક્તો માટે ઠંડા પાણીની પરબ, સરબત, છાસ વિતરણ કરવામાં આવ્યું હતુ. આવતીકાલે તા. ૧૭મીએ માતાજીનો પ્રાગટ્ય દિવસ યોજવામાં આવશે જેમાં નવચંડી યજ્ઞ સવારે ૮:૦૦ કલાકે, ૧૦:૦૦ કલાકે અન્નકૂટ દર્શન સાંજે ૫:૩૦ કલાકે શ્રીફળ હોમવાની વિધિ, સાંજે ૬:૩૦ મહાપ્રસાદી અને રાત્રે ૮ કલાકે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉજવણીમાં જાહેર જનતાને ભક્તોને પધારવા માટે શ્રી હરસિધ્ધિ મંદિર રાજપીપળા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નગરયાત્રામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફીક વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપળાના મહારાજા વેરીસાલજી મહારાજ ૪૫૦ વર્ષ પહેલા માતાજીને ઉજજૈનથી રાજપીપળા લાવ્યા હતા અને આજે જે હરસિધ્ધિ માતાનું મંદિર ઐતિહાસિક અને લાખો ભક્તોની આસ્થા શ્રદ્ધાનું પવિત્ર મંદિર છે જ્યાં નવરાત્રી અને પ્રાગટ્ય મહોત્સવ વખતે ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઉત્સાહઉમંગથી ભાગ લઈને ધન્યતા અનુભવે છે.
હિન્દુ દેવસ્થાન કમિટી સંચાલિત હરસિધ્ધિ માતા મંદિર ટ્રસ્ટ અને યુવક મંડળ-સ્વયંમસેવકો દ્વારા મહોત્સવનું ભવ્ય આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરનો લાઇટીંગ અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે.