૨૨ માર્ચના રોજ સેમિફાઇનલ તથા ૨૩ માર્ચના રોજ ફાઇનલ મેચનું આયોજન કરાશે...
પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઊભું થાય અને રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન -૧)નો પ્રારંભ કરાયો છે. આજ તા.૧૮/૦૩/૨૦૨૫ થી ૨૩/૦૩/૨૦૨૫ દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે.
આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં કલેકટર કચેરી બનાસકાંઠા, પ્રાંત કચેરી સુઈગામ, પ્રાંત કચેરી પાલનપુર, પ્રાંત કચેરી દિયોદર, પ્રાંત કચેરી થરાદ, પ્રાંત કચેરી ધાનેરા, પ્રાંત કચેરી દાંતા, પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો હતો.
આજરોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો. કલેકટર મિહિર પટેલે બંને ટીમોએ ખેલદિલી પૂર્વક રમત રમી તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૮/૦૩/૨૦૨૫ થી ૨૩/૦૩/૨૦૨૫ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે સવારે ૭:૦૦ કલાકથી મેચ રમશે. જેમાં સેમી ફાઇનલ મેચ તા.૨૨/૦૩/૨૦૨૫ અને ફાઇનલ મેચ તા. ૨૩/૦૩/૨૦૨૫ના રોજ આયોજન કરાશે. આ ટુર્નામેન્ટ પ્રારંભ વખતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રમતમાં જોડાયા હતા.