કપડવંજ શહેરમાં ફ્લેટમાં રહેતા પિતા પુત્રીએ આપઘાત કરતાં કરૂણાંતિકા સર્જાઈ હતી.અને શહેરમાં ચકચાર મચી ગઈ છે. જાણવા મળ્યા મુજબ કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલ વિશ્વાસ આર્કેડ વિંગ-1 માં પાંચમાં માળે 501 નંબરના ફ્લેટમાં રહેતાં ભાવિક અરવિંદભાઈ પટેલે (ઉંમર ,વર્ષ આશરે 42) તેની પુત્રી જોયેલ ઉર્ફે જોલી (ઉંમર વર્ષ 10 ) ને પહેલા ગળું દબાવી મારી નાખી પછી પોતે છત પરના ખીલે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ છે.
ઘરના ટેબલ પર મૃતક ભાવિકે ચિઠ્ઠી લખી હતી જેમાં જણાવ્યું હતું કે અમે પિતા-પુત્રી આ દુનિયામાં નથી રહેવાના, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. મારી પાસે કોઈ ઉપાય નહોતો. એટલે મેં આ પગલું ભર્યું છે. તો આપ સૌ અમને માફ કરશો. સાથે તેના સગા-વ્હાલાને જાણ કરવા માટે નામ અને મોબાઈલ નંબર ચિઠ્ઠીમાં હતાં.જાણવા મળ્યા મુજબ ભાવિકભાઈની પત્ની કોરોનામાં મૃત્યુ પામી હતી.
જેથી પિતા પુત્રી એકલા રહેતાં હતાં. પુત્રીની ડેડ બોડીની બાજુમાં ભાવિક ભાઈએ તેમની સ્વર્ગસ્થ ધર્મપત્નીનો ફોટો મૂક્યો હતો. પુત્રી સી.ડી.ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી. જે દિવાળી પછી સ્કૂલે ગઈ નથી તેવું પાડોશીઓનું કહેવું હતું. દશ વર્ષની પુત્રી સાથે પિતાએ આપઘાત કરતા પાડોશીઓ, મિત્ર વર્તુળ તથા ઉપસ્થિત સૌની આંખમાં પાણી આવી ગયા હતાં.
બનાવની જાણ થતા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરી તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને બંને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી કરી હતી.આમ 10 વર્ષની પુત્રી સાથે પિતાએ આપઘાત કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.