પારડી ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઇ દેસાઇએ શુક્રવારે ગુજરાત વિધાનસભામાં સતત બીજી વખત બજેટ રજુ કર્યુ હતું.આ બજેટમાં વલસાડ જિલ્લા માટે નાના-મોટી અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. ખાસ કરીને વાપી અને ઉમરગામમાં પૂર્ણ સમયની લેબર કોર્ટની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વાપીમાં ન્યુ એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટની પણ નાણામંત્રીએ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાના બજેટને લઇ વાપી-વલસાડના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
કારણ કે છેલ્લા 58 વર્ષમાં અનાવિલ સમાજના ત્રીજા નાણામંત્રી તરીકે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ સતત બીજી વખત બજેટ રજુ કર્યુ હતું.
જેમાં ગુજરાતમાં અનેક નવા પ્રોજેકટોની જાહેરાત કરવામાં આવી હતી. બોડેલી, વાપી, દ્વારકા, ભરૂચ, કરજણ, સાંવરકુંડલા, ખંભાત, તળાજા, ડબોઇ અને ધરમપુરમાં 7 કરોડના ખર્ચે ન્યુ એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટની જાહેરાત કરવામાં આવી હતી.
વાપી અને ધરમપુરમાં ન્યુ એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટથી અરજદારોને મોટી રાહત થશે.વાપી અને ઉમરગામમાં પૂર્ણ સમયની લેબર કોર્ટ 75 લાખના ખર્ચે બનશે.વાપી,સરીગામ અને ઉમરગામમાં ઉદ્યોગો વધુ હોવાથી શ્રમિકોની સંખ્યા વધારે છે. વાપી અને ઉમરગામમાં લેબર કોર્ટથી કામદારોને રાહત થશે.
2 કરોડના ખર્ચે પારડી તાલુકા કોર્ટનું નવુ બિલ્ડીંગ,1.36 કરોડના ન્યુ તાલુકા કોર્ટ બિલ્ડીંગ એમ બે પ્રોજેકટોની જાહેરાત થઇ હતી. પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ રજુ કરેલા બજેટમાં કોઇ વેરા નવા નાખવામાં આવ્યાં નથી.
જેના કારણે લોકોને રાહત થશે. વાપીના ઉદ્યોગપતિ મિલનભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સમગ્ર વાપીવાસીઓ માટે ગૌરવની વાત કહી શકાય. કારણ કે આપણાં વિસ્તારના ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યુ છે. જિલ્લાવાર વિજ્ઞાન કેન્દ્ર બનશે.