ગઢડા(સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી ૨૦૦ વર્ષ પહેલા ગઢડામાં ૨૫- વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો કરી આ ભૂમિને તીર્થત્વ આપ્યું છે. એટલું જ નહી અહીં ઘેલા નદીના કિનારે સ્વહસ્તે માપ લઇને સુંદર મંદિર કરવાનો પણ સંકલ્પ કરેલો . એ સંકલ્પ મુજબ આજે ઘેલા નદીને કિનારે સુંદર નયનરમ્ય મંદિર નિર્માણ પામ્યું છે . જોતા જ આંખને ગમી જાય એવું સુંદર શિલ્પ સ્થાપત્ય , સુંદર નયનરમ્ય બાગ - બગીચા , આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન , ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક જીવા ખાચરનો દરબારગઢ , માણકી ઉપર અસવાર ભગવાન સ્વામિનારાયણની ૨૫’ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ ! આવા અનેક દર્શનીય સ્થાનોને લઈને સમગ્ર વિશ્વનાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે . આ મંદિરનો ૭૧ મો પાટોત્સવ તારીખ ૧૦ અને ૧૧ મે દરમિયાન દરમિયાન ભવ્યતાથી યોજાયો હતો.
જેમાં તા .૧૦ ના રોજ કળશ યાત્રાનું આયોજન થયું હતું . જે માટે ઘેલા નદીના પવિત્ર જળનું વેદોક્ત વિધિથી પૂજન કરી કાવડ અને કળશમાં ભરી યાત્રા સ્વરૂપે મંદિરે લાવવામાં આવ્યું હતું . આ જલયાત્રા મંદિરના પ્રવેશદ્વાર આગળ આવેલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઉપસ્થિત સૌ ભક્તોએ સમૂહ આરતી ઉતારી ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું . આ સંદર્ભે રાત્રે પણ વિશિષ્ટ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તા. ૧૧ ના રોજ સવારે પાટોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા . વેદોક્ત વિધિપૂર્વક પાટોત્સવની વિધિ સંપન્ન કરી ઠાકોરજીને પંચામૃત તેમજ કેસરયુક્ત જળથી અભિષેક કરવામાં આવ્યો હતો . ત્યારબાદ વિવિધ વાનગીઓના અન્નકૂટ સાથે આરતી કરવામાં આવી હતી. આ પાટોત્સવ નિમિત્તે સભામાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પ.પૂ.ડૉક્ટર સ્વામી તેમજ સારંગપુર , ભાવનગર , સુરેન્દ્રનગર , લીંબડી , ભાદરા , અમરેલી વિગેરે મંદિરોથી સંતો તેમજ ગાંધીનગર પાસે આવેલ વાવોલ ગામના રામજીમંદિરના મહંત પૂ . મધુસુદનદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂ . સંતોના પ્રાસંગિક પ્રવચન બાદ પ.પૂ.ડૉક્ટર સ્વામીએ આશીર્વચનોનો લાભ આપ્યો હતો . આ સભામાં ગઢડા શહેરના સ્થાનિક અગ્રણીઓ તેમજ સમગ્ર સત્સંગમાંથી ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા . સભાના અંતમાં સૌએ પ.પૂ.ડૉક્ટર સ્વામીનાં સમીપ દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.