સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પ્લેક્સમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શિવપૂજા સંકુલના ચોથા માળે આવેલા જિમ અને સ્પામાં ભીષણ આગ લાગવાથી બે મહિલાઓના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા છે. ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિ ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગના કારણે બે મહિલાઓના મોત
મળતા માહિતી મુજબ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી ત્યારે ચાર મહિલા સહિત એક વોચમેન એમ કુલ 5 લોકો હાજર હતા. અચાનક ધુમાડો નીકળતા બે મહિલાઓ અને વોચમેન બહાર ભાગ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ બાથરૂમમાં દોડી ગઈ હતી. જો કે, આગ એટલી ગંભીર હતી કે સ્પામાં કામ કરતી બે મહિલાઓના ધુમાડાને કારણે ગૂંગળામણના કારણે મોત નીપજ્યા હતા. તેના શરીર પર બળવાના કોઈ નિશાન નથી. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.
કોમ્પ્લેક્ષને અનેક વખત નોટીસ આપવામાં આવી હતી
કોમ્પ્લેક્સને અગાઉ પાંચ વખત ફાયર એનઓસી માટે નોટિસ આપવામાં આવી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જેના માટે જીમના મેનેજરને નોટીસ પણ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે સ્થિત કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી.